ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના ૭૦મા જન્મદિવસની વૈશ્વિક ઉજવણી કરાઈ
સુરતમાં વિવિધ વિસ્તારોમાં આર્ટ ઑફ લિવિંગ પરિવાર દ્વારા યોજાયેલા ભવ્ય કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
૧૩ મે ૨૦૨૬ના રોજ આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા, અગ્રણી માનવતાવાદી, આધ્યાત્મિક ગુરુ અને વિશ્વશાંતિદૂત ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ના ૭૦મા જન્મોત્સવની ઉજવણી વિશ્વભરમાં અદ્વિતીય ઉત્સાહ સાથે કરવામાં આવી.
આ વૈશ્વિક ઉજવણીના ભાગરૂપે SVNIT ખાતે સવારે સામૂહિક સુદર્શન હોમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આશરે ૧૫૦થી વધુ ભક્તોએ ભાવપૂર્વક ભાગ લીધો. અડાજણ ખાતે ગુરુ પૂજા અને મહાસત્સંગ, કતારગામ ખાતે સત્સંગ તેમજ જહાંગીરપુરા ખાતે ગુરુ પૂજા અને સત્સંગનું આયોજન થયું. વરાછા ખાતે ભવ્ય સામૂહિક સુદર્શન હોમ અને સત્સંગમાં આશરે ૧૦૦૦થી વધુ ભક્તોની ઉપસ્થિતિ રહી. ઉપરાંત, મોટા વરાછાના નીલકંઠ ફાર્મ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરીને સેવાભાવનો સુંદર સંદેશ આપવામાં આવ્યો.
આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટર, બેંગલુરુ ખાતે ગુરુદેવ ની ઉપસ્થિત માં યોજાયેલા ભવ્ય સમારોહમાં એક લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે “વિશ્વ શાંતિ માટે ગુરુદેવ સાથે વૈશ્વિક ધ્યાન” કાર્યક્રમમાં ૧૮૨ દેશોના લાખો લોકો ઑનલાઇન જોડાયા હતા. આ ઐતિહાસિક ધ્યાન દ્વારા વિશ્વ શાંતિ, સામૂહિક કલ્યાણ અને સમગ્ર માનવજાતના સુખ માટે પ્રાર્થના કરવામાં આવી.
ગત કેટલાક અઠવાડિયાં દરમિયાન આર્ટ ઓફ લિવિંગના આંતરરાષ્ટ્રીય કેન્દ્ર પર શાસન, ઉદ્યોગ, મનોરંજન, શિક્ષા તેમજ સામાજિક નેતૃત્વ જેવા વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત લોકોએ મુલાકાત કરી અને માનસિક સ્વાસ્થ્ય, શિક્ષણ, મહિલા સશક્તિકરણ, કુદરતી ખેતી, નદી પુનર્જીવન, આપદા રાહત જેવા અનેક ક્ષેત્રોમાં ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના આજીવન યોગદાનને બિરદાવ્યું.
આ વિસ્તૃત ઉજવણીમાં ભારતના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરી, દક્ષિણના પ્રખ્યાત દિગ્ગજ સુપરસ્ટાર રજનીકાંત,શિપિંગ અને જલમાર્ગ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ, કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી સુકાંત મજુમદાર, નાગાલેન્ડના રાજ્યપાલ શ્રી નંદ કિશોર યાદવ, હીરાનંદાની ગ્રુપના ચેરમેન શ્રી નિરંજન હીરાનંદાની, ફિલ્મ નિર્માતા શ્રી આનંદ એલ. રાય, શ્રીમતી સુનેત્રા પવાર, ફેશન ડિઝાઇનર સુકેત ધીર, સંગીતકાર શ્રી તનિષ્ક બાગચી, ગાયિકા શ્રીમતી પલક મુચ્છલ અને શ્રી મિથુન, પ્રસિદ્ધ સિતારવાદક ઋષભ રીખીરામ શર્મા તેમજ ફિલ્મ જગતના શ્રી આમિર ખાન, શ્રીમતી શિલ્પા શેટ્ટી, શ્રી કાર્તિક આર્યન, શ્રી અલ્લુ અર્જુન, શ્રી મોહન બાબુ, અર્જુન રામપાલ અને અન્ય અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકરજીના ૭૦માં જન્મદિવસ નિમિત્તે વિશ્વભરમાં યોજાયેલા આ કાર્યક્રમોએ સેવા, સાધના અને સત્સંગ દ્વારા સમગ્ર વિશ્વને એક પરિવાર તરીકે જોડવાનો સંદેશ વધુ મજબૂત બનાવ્યો.
.jpeg)
.jpeg)
No comments